ચાલો જાણીએ આપણા ગામીત સમાજને
સંસ્કૃતિની શરૂઆતના હજારો વર્ષનો વૃતાંત અલિખિત રહયો. આથી સંસ્કૃતિના આ ત્રણ અક્ષરજ્ઞાન નિર-અક્ષરજ્ઞાન કાલને ત્રણ ઐતિહાસિક કાલ તરીકે ઓળખવામાં આવે છે. આ કાલમાં આદિમાનવ ટકાઉ ચીજો મહદઅંશે પાષાણ (પથ્થર)નાં ઓજારોનો ઉપયોગ કરતો હતો, જેમાં અણીદાર પથ્થરોને લાકડા સાથે બાંધી ભાલો બનાવી શિકાર માટે ઉપયોગ કરતો હતો તથા કંદમૂળ ખોદવા માટે ઉપયોગ કરતો હતો. આવા હથિયાર દક્ષિણ ગુજરાતમાં છેક વલસાડ થી ડાંગ જિલ્લા સુધી મળ્યા છે. સુરત જિલ્લામાં આવા હથિયાર ડુમસ પાસે માલવણના અને કામરેજ તાલુકાના એબાના ખોદકામમાંથી મળ્યા છે. આ ખોદકામ કેમ્બ્રિજ યુનિવર્સીટીના ડૉ. અમીન અને ભારતના સર્વેક્ષણ ખાતાના શ્રી જોષી એ કર્યું હતુ.એમના મંતવ્ય પ્રમાણે ૩૫,૦૦૦ વર્ષ પહેલા અહીં આદિમાનવોની વસાહત હતી.
આવા ઓજારો ચાર્યાસી, માંડવી, બારડોલી, વ્યારા, સોનગઢ, મહુવા તાલુકાઓમાં પ્રાપ્ત થયા છે. જેનો સમય ઈ.સ. પૂર્વે ૩૫,૦૦૦ પહેલાનો અંકાયો છે.
ત્યારબાદ માનવ ખેતી અને પશુપાલન કરતો થયો. આમ આપણો સમાજ આનો જ એક પ્રવાહ છે.
હવે આપણે આપણી ગામીત જાતિ વિશે વાત કરીએ તો ગામીત બોલી, પહેરવેશ, રહેણી-કરણી, પૂજા પદ્ધતિ, વાર-તહેવાર, વાજિત્રો, વાઘો, નૃત્યો, વગેરે દક્ષિણના રાજયોના આદિવાસીઓ સાથે સામ્યતા ધરાવે છે. તેમજ ઉત્તર પૂર્વના રાજયોના આદિવાસીઓ સાથે પણ સામ્યતા ધરાવે છે, પરંતુ મહારાષ્ટ્રના આદિવાસીઓ સાથે ગામીતની સંસ્કૃતિ વધુ સામ્યતા ધરાવે છે. આપણા વડવાઓના મુખે પણ ઘણીવાર સાંભળવા મળયું છે કે ગામીત મહારાષ્ટ્રના સલ્લેર, મલ્લેરના ડુંગરોમાંથી સ્થળાંતર કરી તાપી કે અન્ય જગ્યાઓથી બીજી જગ્યાએ વસ્યા છે. આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા અનેક કબીલાઓના મુખીને ગમેત્ની કે ગામેતી તરીકે ઓળખાતા હતાં. આ ગમેતી કે ગામેતી શબ્દને અપભ્રંશ થતા ગામીત જાતિ તરીકે ઓળખાવવા લાગ્યા.
આમ તો દરેક આદિવાસીઓનું મૂળ ભિલ છે, ભિલ શબ્દ મૂળ દ્રવિડ ભાષાના “બિલુ” શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ‘‘બાણતીર’’ થાય છે.
ગામીત સમાજની રૂઢિગત પરંપરાઓ
જન્મવિધી :-
ગામીત સમાજમાં પ્રથમ ડિલીવરી પિયરમાં કરવામાં આવે છે. બાળકના જન્મના પાંચમા દિવસે “પાંચરોહો”ની વિધી કરવામાં આવે છે, તે દિવસે દાયણ બાળકને નવડાવી તૈયાર કરી ઉખળા પર રાખી વિધી કરે છે , આશિર્વાદ આપે છે અને કહે છે કે “દંદડી(ધનુષ) લેજ ડોસલો (તીર) લેજે.. શિકાર કરા જાજં ને આયહે આબહાલ પોહજે.. છોકડે લેજે ભાળાં લેજે ને ડોયારો જાજે ને આયહે આબહાલ પોહજે…” એવું તો ઘણું બધુ બોલવામાં આવતું. ત્યારબાદ ફળિયાનાં બાળકોને ચા પીવડાવી સૂંઠ ગોળ આપવામાં આવે છે. દાયણને મન ગમતું ભોજન જમાડવા આવે છે તથા યથાશિકત દાન આપવામાં આવે છે. સવા મહિને બાળકના મામા બાળકના વાળ ઉતારે છે અને સાસરીપક્ષ વળાવવામાં આવે છે.
લગ્નવિધી :-
છોકરા-છોકરીની પસંદગી થયા બાદ સગાઈ નકકી કરવામાં આવે છે. તેને “પીયે પીયાં જાઅના હેય.” એવું કહેવામાં આવે છે. એમાં ગામના વડીલો, સગા-સબંધીઓ છોકરીના ઘરે જઈ બંને પક્ષના પાંચ-પાંચ “ડાયહા પાંગાડ” બેસાડવામાં આવે છે. પછી છોકરા-છોકરીની ગમતા ગમતી કરાવામાં આવે છે. “ગમહે કા ?” એમ પૂછી પંચની વચ્ચે હા પાડે તો સગાઈ (પીયાણની વિધી) શરૂ કરવામાં આવે છે. જેમાં લેવડ-દેવડનું લખાણ કરવામાં આવે છે. રીત-રીવાજનું લેણ-દેણ લખવામાં આવે છે. લખાણ થયા પછી પંચો સહી કરે છે. ત્યારબાદ છોકરા-છોકરીની ઉખળી ઉપર ખભા રાખી એકબીજાને હાર પહેરાવવામાં આવે છે અને ગોળ ઘાણા ખવડાવવામાં આવે છે. (પહેલા મામા-ફોઈમાં પણ વિવાહ નકકી થતા હતા.)

ત્યારબાદ લગ્નની તારીખ નકકી કરવામાં આવે છે. લગ્નના આગલા દિવસે માંડવો પાડવામાં આવે છે. માંડવામાં મૂરતની થાંભલીમાં ખીજડાનું અને કાકડાની ડાળી લગાડવામાં આવે છે. જાંબુડાનાં પાન ડાળીઓથી માંડવો પાંડવામાં આવે છે. બાદમાં છોકરા- છોકરીને તૈયાર કરી પૂર્વજોની પૂજા કરી પાંચ કે સાત વાર પીઠી લગાડવામાં આવે છે. માંડવાના દિવસે આખી રાત ઢોલ, ડોવડું વગાડી નાચણું નાચવામાં આવે છે.
બીજા દિવસે છોકરાની માતા છોકરાનો હાથ પકડીને ઉમરાની બહાર કાઢે છે અને પછી જાન જાય છે. ત્યારબાદ ગામના વડીલો દ્વારા લગ્નની વિધી થાય છે. જૂની પરંપરા પ્રમાણે વિધી ચાલે છે પરંતુ એ હવે ભૂલાતી જાય છે. ત્યારબાદ વહુને ઘરે લાવી પૂર્વજોની પૂજા કરવામાં આવે છે અને બધા કુટુંબીજનોની ઓળખ કરવામાં આવે છે.
મરણવિધી :-
મન્નારાને ઉખળા પાસે સુવડાવવામાં આવે છે. સગા-સબંધીઓ આવીને શોક કરે છે. તૂર વગાડવામાં આવે છે. પછી “સારવણીયો” આવીને મરણની વિધી કરે છે.
મન્નારાને હળદર દહીં લગાવીને નવડાવીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ બહાર કાઢવામાં આવે છે અને વિધી કરી ખાંધિયાઓ સ્મશાને લઈને જાય છે. વચ્ચે વિહામે વિધી કરવામાં આવે છે. અને પછી સ્મશાને લઈ જઈ અગ્નિદાહ આપવામાં આવે છે. ત્રીજા દિવસે ચોખાપાન કે ચોથિયું કરવામાં આવે છે.
ત્યારબાદ એક વર્ષની અંદર ખતરા બેસાડવામાં આવે છે. આ વિધીમાં ઘરની બહાર બેસાડવામાં આવે છે. ભગતો રાત્રે ધૂણીને વિધી કરે છે.
:: ગામીત સમાજના કુળદેવી દેવતા તથા તહેવારો ::
કુળદેવી :- દેવલીમાડી, યાહામોગી

દેવલીમાડી મંદિર
તહેવારો
૧) હોળી
૨) બીવહાં
૩) બળવો/બળેવ
૪) હરાદા
૫) દહરો
૬) દિવાળી
આદિવાસી દેવ
૧) કણી કંસરી
૨) નાગદેવ
૩) વાઘદેવ
૪) ડુંગરદેવ
૫) હિવાર્યોદેવ

હિમારયો દેવ – કાવલા ગામ
૬) સૂર્યદેવ
૭) ચંદ્રદેવ
૮) ધરતીમાતા
૯) નાંદર્યોદેવ
૧૦) ગોવાળદેવ
૧૧) ગામદેવ
૧૨) ટોપલ્યોદેવ
ગામીત સમાજની સંપૂર્ણ માહિતી માટે તો આખી સો-બસો પાનાની બુક બની શકે એવું છે.
આશા રાખું છું કે આ લેખ તમને પસંદ આવ્યો હોય તથા છેલ્લે એટલું જ કહું છું કે આપણો “ગામીત સમાજ” ખૂબ જ પ્રગતિ કરે અને ઉચ્ચ ભવિષ્યનું નિર્માણ કરે એજ અભ્યર્થના. “જય ગામીત, જય આદિવાસી’.

ગૌરાંગ એન. ગામીત
મો. ૮૯૮૦૪૬૭૮૦૯
ગામ – ખડકા ચીખલી, તા. સોનગઢ (નિશાળ ફળીયું), જિ. તાપી.

Good Job brother… Nice information about our society…
Nyc information in my culture
Very nice Gaurang bhai…👌👌❤️ આવનારી નવી પીઢી માટે ખૂબ સરસ સંદેશ..🤝👍
ગામીત
સુર્ય દેવ ના પરમ આરાધક છે…
એ ખાસ નોંધી લો
જોરદાર ભાઇ
Good job and very impressive writing and information
આપણા ગામીત સમાજ વિશે ખુબ સરસ માહિતી આપવા બદલ ગૌરાંગભાઈ નો આભાર.