
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉમરખડી ગામમાં યુવાઓ માટે એક મહત્વપૂર્ણ પગલુ લેવામાં આવ્યું છે. અહીંના યુવાઓ સમયનો યોગ્ય ઉપયોગ કરીને અને ગામમાં જ વાંચન કરી શકે અને સરકારી અધિકારીઓ બની શકે તે માટે સમાજના વિકાસ માટે વિશાળ દ્રષ્ટિકોણ રાખીને ગામના લોકો દ્વારા ગામની અંદર આવેલા મકાનનો ઉપયોગ કરીને પુસ્તકાલયની સ્થાપના કરી છે. આ નવું પુસ્તકાલય યુવાનો માટે શ્રેષ્ઠ શૈક્ષણિક માર્ગદર્શિકા પૂરી પાડશે, જેથી તેઓ સરકારી અધિકારીઓ બની સમાજ અને દેશની સેવામાં જોડાઈ શકે.
આ પુસ્તકાલયના ઉદ્દઘાટનમાં મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના પૂર્વ એસોસિએટ પ્રોફેસર ડો. રાયસિંગભાઈ બી. ચૌધરી હાજર રહ્યા હતા. તેઓએ અધ્યક્ષપદે પોતાનું વકતત્વ આપ્યું હતું. તેમણે તેમના વિચારો અને અનુભવો શેર કરીને યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તમ દેખાવો માટેના દિશા – સૂચનો કર્યા હતા.
આ પ્રસંગ પર નાની ભટલાવના યુવા સરપંચશ્રી અંકિતભાઈ ચૌધરીએ પણ પ્રેરણારૂપ બનીને હાજરી આપી હતી. તેમણે યુવાનોને સમાજમાં સરકારી અધિકારી બનવાની શક્યતાઓ અને તેમના અનુભવો વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, કઠોર મહેનત, સંઘર્ષ અને સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં સફળતા મેળવી શકે છે. તેમની લાયબ્રેરીમાં આવનાર વિદ્યાર્થીઓ કેવો સંઘર્ષ કરીને સરકારી નોકરી મેળવી ફરજ બજાવી રહ્યા છે તે વિશે જણાવ્યું હતું. આવનાર સમયમાં આ ગામમાંથી પણ અનેક યુવાનો સરકારી અધિકારીઓ બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં નીખીલભાઇ તરફથી પુસ્તકો દાનમાં અપાયા હતા અને ભવિષ્યમાં પણ મદદરૂપ થવા માટે સહયોગ દર્શાવ્યો હતો. આ સમયે ગામના અગ્રણી હિતેશભાઈએ યુવાઓ માટે મેદાનની માંગ સાથે પોલીસ ભરતી અને ફિટનેસ જરૂરી છે, તેની માહિતી આપી હતી. આ કાર્યકમનું સમગ્ર સંચાલન પ્રો.નવિનભાઇ ચૌધરીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સરપંચ મીરાબેન , ડે.સરપંચ સરલાબેન તેમજ ઉમરખડી વોર્ડ સભ્ય અને ગામલોકો હાજર રહ્યા હતા. ગામમાં જ લાઈબ્રેરીની સુવિધા મળતા યુવાનો – યુવતીઓ અને બાળકોએ આનંદની લાગણી અનુભવી હતી.
ગામના પહેલા પુસ્તકાલયની સ્થાપના પછી, ગામમાંથી વધુ યુવાનો સરકારી અધિકારી બનીને સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપી શકે તેવી આશા છે. આ નવા પુસ્તકાલયની સ્થાપના પછી ગામના યુવાનોને અભ્યાસ માટે એક સારી સુવિધા મળશે. હવે યુવાઓએ વાંચન માટે દૂરની લાઇબ્રેરી સુધી લંબાવું નહિ પડે, પરંતુ અહીંની જ લાઇબ્રેરી થકી અભ્યાસ કરી શકે છે. આ પ્રકારના પ્રયાસો ગામમાં લોકોને વધુ સશક્ત અને સામાજિક રીતે જવાબદાર બનાવે છે, અને તેની પ્રેરણા ફક્ત વિદ્યાર્થીઓ સુધી સીમિત રહીને તેમના પરિવાર અને સમાજ સુધી પણ પહોંચે છે.
