ડાંગ જિલ્લાના સાહસિકનું માત્ર 28 મિનિટમાં 8 કિ.મી.નું પર્વતારોહણ

ભોવાન રાઠોડે રાજસ્થાનની સ્પર્ધામાં સિલ્વર મેડલ પણ મેળવ્યો

30 ડિસેમ્બર 2024

માઉન્ટ આબુ રાજસ્થાન ખાતે ગુજરાત સરકાર દ્વારા ચાલતી પર્વતારોહણની ખુબ જ મુશ્કેલ ટ્રેનિંગ લઈ રહેલ ડાંગ જિલ્લાના ગોરવ તેમજ શ્રમજીવી પરિવારમાંથી આવતા એવા ભોવાનભાઈ જયરામભાઈ રાઠોડ તેમજ દુનિયાનું સૌથી ઉચુ શિખર માઉન્ટ એવરેસ્ટના ટોચ પર જવા માટે ટ્રેનિંગ લઈ રહેલ ડાંગ જિલ્લાના ચિરાપાડા ગામનારહેવાસી અને ડાંગ જિલ્લાનું ગૌરવ એવા ભોવાનભાઈ જયરામભાઈ રાઠોડ. તેમને હાલમાં જ ડાંગ રત્ન એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. એમણે ઘણા બધા મોટા શિખરો પણ સર કર્યા છે. આ પર્વતારોહણ મુશ્કેલ ટ્રેનિંગમાં ગુજરાત સરકાર દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યા હતા. માઉન્ટ આબુ – રાજસ્થાન ખાતે પર્વતારોહકની સૌથી મુશ્કેલ ટ્રેનિંગ લઈ રહેલ ટ્રેનરોની 8 કિ.મીની ડુંગરોમાં રનિંગ કોમ્પિટિશન રાખવામાં આવી હતી. એમાં ડાંગનાં પર્વતારોહક ભોવાનભાઈ રાઠોડએ 8 કિ.મી રનિંગ 28.13 મિનિટમાં પૂરી કરી બીજો ક્રમાંક લાવી સિલ્વર મેડલ જીતી રાજસ્થાન ખાતે ડાંગ જિલ્લાનુ ગૌરવ વધાર્યું છે. ડાંગનાં ગૌરવ એવા ભોવાનભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે, ડાંગના યુવા-યુવતીઓમાં ઘણી બધી પ્રતિભાઓ રહેલી છે. તેઓ ગુજરાત અને દેશનું નામ મોટા પડદે રોશન કરી શકે છે. એમને સાચી દિશા અને સપોર્ટની જરૂર છે.

માઉન્ટ એવરેસ્ટ સર કરવાના સ્વપ્ન સાથે ૮ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ હિમાલય વેલીના સૌથી ઊંચા “કાંગ યાત્સે” શ્રીખર પર ત્રિરંગો લહેરાવ્યો હતો

ખૂબસૂરત ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચીરાપાડા ગામના શ્રમજીવી પરિવારના પર્વતારોહક યુવાન શ્રી ભોવાન રાઠોડે હિમાલય વેલીની KY1 તરીકે ઓળખાતા અને ૬૪૦૦ મીટર ૨૧,૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા માઉન્ટ “કાંગ યાત્સે” શિખર પર ભારતનો ત્રિરંગો લહેરાવ્યો હતો. ટાટા સ્ટીલની સ્પોન્સરશિપના સથવારે ઉત્તરપશ્ચિમ ભારતના લદાખ ક્ષેત્રમાં હિમાલયની “માર્ખા ઘાટી” માં આવેલા “હેમિસ નેશનલ પાર્ક” માં સમાવિષ્ટ માઉન્ટ “કાંગ યાત્સે” કે જેની ઉંચાઈ ૬૪૦૦ મીટર (૨૧૦૦૦ ફૂટ) છે ત્યાં પહોંચી ડાંગના આ યુવાને ફરી એકવાર માઉન્ટ એવરેસ્ટના બારણે ટકોરા માર્યા હતા. ઉલ્લેખનીય છે કે માઉન્ટ એવરેસ્ટ ની ઊંચાઈ ૮૮૪૮.૮૬ મીટર (૨૯૦૩૨ ફૂટ) છે, જ્યાં ભારતના સૌથી મોટા રાષ્ટ્રધ્વજને ફરકાવવાની આ યુવાનની ખ્વાહિશ છે.
ડાંગ જિલ્લાના એકમેવ પર્વતારોહક તરીકે ડાંગ અને રાજ્યનું નામ રોશન કરનારા સાહસિક યુવાને “કાંગ યાત્સે” સર કર્યા પછી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, KY1 માટે ટાટા સ્ટીલ દ્વારા ગુજરાતમાંથી એકમાત્ર તેમની પસંદગી કરાતા દેશના અન્ય પ્રદેશના કુલ ૧૨ સાહસિક યુવાનોની ટીમ “કાંગ યાત્સે” માઉન્ટ સર કરવા નીકળી હતી.
વિષમ પરિસ્થિતિમાં ઓક્સિજનની કમી વચ્ચે અનુક્રમે ૧૨ અને ૧૫ હજારની ફૂટની ઊંચાઈએ તેમની ટીમના ત્રણ યુવાનોની હાલત કથળતા તેમને રેસ્ક્યુ કરી હોસ્પિટલ ભેગા કરાયા હતા.

ઓક્સિજનની કમી અને ઠંડીના લીધે ચાર યુવાનોએ બેસ્ટ કેમ્પમાં પરત ફરવું પડ્યું.

ત્યારબાદ બાકીના પર્વતારોહકોએ તેમની સફર આગળ વધારી હતી. લક્ષિત શિખરની નજીક સીધા ચઢાણ ઉપર હાડ ગાળી નાખતી ઠંડીમાં ખૂબ ઓછા ઓક્સિજનને કારણે તેમની ટીમના બીજા ચાર યુવાનોએ બેઝ કેમ્પ પરત ફરવું પડ્યું. બાકીના પાંચ યુવાનો કે જેમાં હિમાચલ પ્રદેશના ૨ , કેરાલાના ૨ અને ગુજરાતના એકમાત્ર એવા ડાંગના ભોવાન રાઠોડ એ જબરજસ્ત ક્ષમતા અને આત્મવિશ્વાસ સાથે તારીખ ૮મી સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ અડધી રાત્રે અઢી વાગ્યે માઇનસ શૂન્યથી નીચેના તાપમાને કે જ્યારે બર્ફીલા ગ્લેશિયર કઠણ થઈ જાય છે તેવા અનુકૂળ સમયે લક્ષ નિર્ધાર સાથે વહેલી સવારે જ્યારે સૂર્યના કિરણોએ સમગ્ર હિમાલયન વેલીને અજવાળી દીધી હતી ત્યારે અને ગ્લેશિયર પીગળવાનું શરૂ થાય તે પહેલા ૮:૨૫ વાગ્યે KY1 ના ફલક પર ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવી ડાંગનું નામ ફરી એકવાર સ્વર્ણક્ષરે અંકિત કર્યું હતું. ડાંગ જિલ્લા વહીવટી તંત્રના વડા એવા કલેક્ટર શ્રી મહેશ પટેલે પણ જિલ્લા પ્રશાસન વતી ડાંગના નવયુવાન પર્વતારોહકને અભિનંદન પાઠવ્યા હતા.

ભોવાન રાઠોડની પર્વતારોહક તરીકેની ઉપલબ્ધિ

ડાંગના આ યુવકે તેની આંખોમાં આંજેલા માઉન્ટ એવરેસ્ટ સર કરવાના સપનાની પૂર્તિ માટે પ્રથમ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલી અરવલ્લીની પર્વતમાળાના શિખરે આવેલા માઉન્ટ આબુથી તેની માઉન્ટ એવરેસ્ટની સફરનો પ્રારંભ કરવાનું નક્કી કર્યું અને ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ હસ્તકની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ (રાજસ્થાન) ખાતે ઉપલબ્ધ એડવેન્ચર કોર્સ બેઝિક કોર્ષ, બેઝિક કોર્ષ, એડવાન્સ કોર્ષ, કોચિંગ કોર્ષ અને રોક કલાઈબિંગ કોર્ષમાં સફળતાપૂર્વક ભાગ લઈ જૂન ૨૦૨૨ના અંતે એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચી ગયો હતો ત્યાંથી પરત આવ્યા બાદ ટાટા સ્ટીલ દ્વારા તેની KY1 માટે પસંદગી થતા તે ફરી બરફીલા પહાડોની ગોદમાં પહોંચી ગયો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top