ગામનું પોતાનું બંધારણ અને છેલ્લા બે ટર્મ થી સમરસ ગ્રામ પંચાયત અને આ ટર્મમાં તો સંપૂર્ણ મહિલા સમરસ ગ્રામ પંચાયત અને ઉત્તરે ધુમાસી ખાડી અને દક્ષીણે ગોડાદરા ખાડી આમ બે ખાડીઓની વચ્ચે વસેલુ અને સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ એટલે કાછલ ગામ.મહુવા-અનાવલ સ્ટેટ હાઈવે ઉપર વસેલું ગામ તાલુકા મથક મહુવાથી માત્ર ૫ કિમી દુર આવેલું છે.
વર્ષ ૧૯૮૫ પહેલા આ કાછલ ગામ બાજુમાં આવેલા બારતાડ ગામ સાથે જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ હતું પરંતુ ગામની વસ્તી વધતા અને ગ્રામજનોની માંગણી બાદ વર્ષ ૧૯૮૫ માં ગામને અલગ પંચાયતની ફાળવણી કરવામાં આવી હતી.આઝાદી સમયે આ ગામ ગાયકવાડી સ્ટેટ સાથે સંકળાયેલું હતું. ઘણા વર્ષો પહેલા કાછલ ગામ ગીચ ઝાડી અને જંગલોથી ઘેરાયેલું હતું અને વન્યપ્રાણીઓ પણ વસવાટ કરતા હતા પરંતુ સમય જતા જંગલો નાશ થતા ગયા અને વન્ય પ્રાણીઓ પણ લુપ્ત થતા ગયા.
એક સમયે કાછલ ગામની સીમમાં ખજૂરીની ભરમાર ને પગલે કાછલ ગામનો નીરો અને તાડી પ્રખ્યાત હતા પરંતુ ગામના લોકો ખેતી તરફ આગળ વધતા ગયા અને ખજુરીના ઝાડો દુર કરતા ગયા અને એક સમયે નીરા અને તાડીનાં વ્યવસાય ઉપર નભતા ગામના લોકો આજે મુખ્યત્વે ખેતી અને પશુપાલનનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખેતીમાં મુખ્ય પાક શેરડી અને ડાંગર છે આજે ગામના લોકો પરવળ- ગીલોડીનાં માંડવા તૈયાર કરીને પુષ્કળ પ્રમાણમાં બાગાયતી ખેતી કરીને મબલખ કમાણી પણ કરી રહ્યા છે. વર્ષો પહેલા ખેતી માટે સિંચાઈની ખુબ અગવડ હતી પરંતુ કાછલ માઈનોર પાકી થઇ જવાના કારણે અને ઉદ્વહન સિંચાઈ યોજનાના કારણે પુરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળી રહે છે.તેથી ગામના ખેડૂતો આજે સારી રીતે ખેતી કરી રહ્યા છે.
ગામની નવી પેઢીમાં સાક્ષરતા વધતા આજે ગામમાં તબીબ,ઈજનેર, શિક્ષક, વકીલ, પોલીસ જેવા વ્યવસાયોમાં ગામના યુવાનો જોવા મળે છે. કાછલ ગામમાં ૯૫ ટકા ચૌધરી સમુદાયની વસ્તી છે તે બાદ નાયકા સમાજની વસ્તી છે.કાછલ ગામનો વિસ્તાર કુલ ૨૬૫ હેક્ટર છે. ગામની મધ્યમાંથી મહુવા-અનાવલ સ્ટેટ હાઈવે પસાર થાય છે. જેથી વાહનવ્યવહારની અગવડતાનો કોઈ પ્રશ્ન નથી ૨૪ કલાક વાહનવ્યવહાર ઉપલબ્ધ રહે છે.ગામમાં મુખ્યત્વે કોઈ સમસ્યા નથી પરંતુ ગામમાં સ્ટેટ હાઈવે પસાર થતો હોવાથી સમયાંતરે અકસ્માતો થતા રહે છે જેથી આ માર્ગ ઉપર સ્પીડબ્રેકરની જરુરીયાત હોવાનું ગામના સરપંચ કલ્પનાબેન જણાવે છે.

કાછલ ગામની દીકરી કેરૂલ ચૌધરીએ આંતરરાષ્ટીય કંપની ‘એર એશિયા એક્સ’ માં એર હોસ્ટેસ તરીકે નોકરી મેળવી ગામનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કર્યું.
કાછલ ગામની આદિવાસી યુવતી કેરૂલ પુનિતભાઈ ચૌધરીએ ઈન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ કરતી નામાંકિત આંતરરાષ્ટીય કંપની ‘એર એશિયા એક્સ’ માં એર હોસ્ટેસ તરીકે નોકરી મેળવી કાછલ ગામ તેમજ ચૌધરી સમાજ અને સમસ્ત આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે. કેરૂલ પોતાનો ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ ઘરેથી પૂર્ણ કરીને ચંદીગઢ ખાતે એક ખાનગી સંસ્થામાં છ મહિનાનો એર હોસ્ટેસનો અભ્યાસક્રમમાં એડમિશન લીધું હતું અને તે સફળતાપૂર્વક પૂર્ણ કરીને દિલ્હી ખાતે ગત માર્ચ મહિનામાં જોબ પ્લેસમેન્ટ ફેરમાં આંતરરાષ્ટ્રીય એવિએશન કંપની ‘એર એશિયા એક્સ’માં એર હોસ્ટેસની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને કેરૂલે પોતાના પ્રથમ પ્રયત્નમાં જ ઇન્ટરવ્યૂ પાસ કરી દીધું હતું અને એર એશિયા એક્સ દ્વારા તેમને નોકરી માટે પસંદ કરવામાં આવ્યા છે અને કેરૂલની પોસ્ટિંગ મલેશિયાના કુઆલાલમ્પુર ખાતે કરવામાં આવી છે જ્યાં કેરૂલે આ સફળતાનો શ્રેય તેમના પિતા પુનિતભાઈ ચૌધરી અને માતા ગજરાબેન તેમજ પરિવારજનોને આપ્યો છે.

કેરુલના પિતા પુનિતભાઈ ચૌધરી એસ.ટી વિભાગમાં ટ્રાફિક ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે અને માતા ગજરાબેન ઘરકામ કરે છે અને કેરૂલને અન્ય બે બેહનો છે. કેરૂલને આંતરરાષ્ટ્રીય કંપનીમાં એર હોસ્ટેસ તરીકે નોકરી મળ્યાના સમાચાર મળતા જ સમગ્ર કાછલ ગામમાં ખુશીનો માહોલ સર્જાયો ગયો હતો અને ગામના સરપંચ કલ્પનાબેન નરેનભાઈ ચૌધરી તેમજ ગ્રામજનોએ કેરૂલને રૂબરૂ મળીને સોનેરી સિદ્ધિ હાંસલ કરવા બદલ અને કાછલ ગામનું નામ રોશન કરવા અભિનંદન પાઠવ્યા હતા. હાલમાં કેરૂલ મલેશિયાથી જાપાન, ઓસ્ટ્રેલિયા, ચીન,ભારત વગેરે દેશોની ફ્લાઈટમાં ફરજ બજાવે છે.
‘કાછલ ગામ ચૌધરી સમાજ બંધારણ’ જેણે કાછલ ગામને રાષ્ટ્રીય ઓળખ અપાવી ’
કાછલ ગામે ગ્રામજનોને સામાજીક પ્રસંગોમાં દેખાદેખીમાં થતા ખોટા ખર્ચાઓ રોકવા અને પરિવાર આર્થિક રીતે દબાઈ ન જાય તેમજ આદિવાસી સમાજની સંસ્કૃતિ જીવંત રહે તે હેતુથી વર્ષ ૨૦૨૨માં મે મહિનામાં ચૌધરી સમાજના સામાજીક સુધારા અંગેનું ૩૩ મુદ્દાઓ વાળુ “ આદિવાસી ચૌધરી સમાજનું બંધારણ” બનાવવામાં આવ્યું હતું જેને સમગ્ર ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજ સહિત અન્ય તમામ સમાજોમાં ખૂબ નોંધ લેવાઈ હતી અને બંધારણની સરાહના કરી હતી. આ બંધારણના ૩૩ મુદ્દાઓમાં મુખ્યત્વે ચૌધરી સમાજની સગાઈવિધિ(પીણું) સમાજની રીતિ રિવાજો મુજબ જ કરવુ અન્ય વિધિથી કરવું નહીં,સગાઇમાં કેક કાપવી નહીં, સગાઈમાં સોનાની વીંટી પહેરાવવી નહીં, લગ્નપ્રસંગ દરમ્યાન કન્યાને ચૌધરી સમાજના રીતિરિવાજો મુજબ ફરજીયાત ચાંદીનું જ મંગળસૂત્ર પેહરાવવું, લગ્નપ્રસંગ નિમિત્તે રાતે ૧.૩૦ કલાક સુધી જ ડીજે/ બેન્ડ વગાડવું, મરણ બાદ વરસીની વિધિ કરવી નહીં જેવા કુલ ૩૩ મુદ્દાઓનું કાછલ ગામનું ચૌધરી સમાજનું બંધારણ બનાવવામાં આવ્યું હતું. કાછલ ગામ ચૌધરી સમાજ બંધારણ સમિતિના પ્રમુખ રવિન્દ્રભાઈ ચૌધરી ઉપ-પ્રમુખ નરેનભાઈ ચૌધરી તેમજ બંધારણ સમિતિના સભ્યોશ્રીઓ આ બંધારણની પુસ્તિકા કાછલ ગામના ચૌધરી સમાજના દરેક ઘરોમાં વિતરણ કરવામાં આવેલ છે તેમજ આ બંધારણની પુસ્તિકા ગ્રામજનો ખૂબ માન-સન્માનથી આદર ભાવથી જાળવણી કરે છે અને બંધારણમાં સમાવિષ્ટ ૩૩ મુદાઓનું શબ્દશહ પાલન કરીને બંધારણનું માન જાળવે છે અને જ્યાં સુધી કાછલ ગામનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી આ બંધારણ કાછલ ગામના ચૌધરી સમાજના ઘરોમાં અમલી બની રહેશે એ મુજબની બંધારણ સમિતિ દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ગામમાં લોક્ભાગીદારીથી જાહેર પુસ્તકાલયનું નિર્માણ
કાછલ ગામમાં વર્ષ-૨૦૨૧માં ૧૫એપ્રિલ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે ગામના યુવાનો અને ગામના તત્કાલીન સરપંચ નરેનભાઇ ચૌધરી દ્વારા લોકભાગીદારીથી ‘જાહેર લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ લાઇબ્રેરીનું નિર્માણ કરવા માટે ગામના યુવાનો દ્વારા ગામના દરેક ઘરોમાંથી પુસ્તકો અને રોકડ રકમ દાનમાં મેળવી હતી અને ગામના યુવાનોએ ગામમાંથી એક જ દિવસે પચાસ હજાર જેટલી માતબાર રકમ દાન સ્વરૂપે ભેગી કરીને લાઈબ્રેરી માટે ફર્નીચર ખરીદ્યું હતું અને ગ્રામ પંચાયત કચેરીના ઉપરના માળે લાઈબ્રેરી શરુ કરી હતી.

લાઈબ્રેરીમાં વાંચન કરીને આજદિન સુધી ૬ જેટલા વિધાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરીને સરકારી નોકરીઓ પ્રાપ્ત કરી છે અને હાલમાં કાછલ ગામ તથા આજુબાજુના ગામોનાં ૨૦ થી વધુ વિદ્યાર્થીઓ લાઈબ્રેરીમાં વાંચન કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરે છે.

રમત-ગમત માટે ગામમાં નવનિર્મિત બીરસામુંડા ક્રિકેટ મેદાન
કાછલ ગામ એમ તો નાનું પણ ગામે પોતાના નાગરિકોની સુવિધા માટે જરૂરીયાત મુજબની તમામ મિલકતો ઉભી કરી છે. ગામમાં રમત-ગમત માટે મેદાન ન હોવાના કારણે ગામના યુવાઓને રમત-ગમત માટે ઘણી તકલીફો પડતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે ગામના સરપંચ તથા ગામના યુવાનો અને વડીલો ભેગા થઈને ગામની પડતર જગ્યા ઉપર લોકભાગીદારીથી રમત-ગમત માટે મેદાન બનાવવાનું નક્કી કર્યું અને માત્ર એક જ વર્ષના ટૂંકા સમયગાળામાં ગ્રામજનોએ લોકભાગીદારીથી પૂર્ણ કક્ષાનું સુંદર મજાનું મેદાન તૈયાર કર્યું છે.

હાલમાં આ મેદાન ઉપર ગામના યુવાનો વિવિધ રમતો રમી પોતાનું રમતનું કૌશલ્ય વિકસાવી રહ્યા છે તેમજ પોલીસ અને ફોરેસ્ટ જેવી શારીરિક કસોટીઓની પરીક્ષાઓની તૈયારી માટે ગામના તથા આજુબાજુના વિસ્તારના યુવાનો માટે આ મેદાન ખુબ ઉપયોગી નિવડી રહ્યું છે. ગત ચોમાસામાં ગામના યુવાનો દ્વારા આ મેદાનની બોર્ડર ઉપર ઘટાદાર વ્રુક્ષોનુ વાવેતર કરવામાં અને તેનું જતન કરવામાં આવે છે. આવનાર થોડા વર્ષોમાં આ વૃક્ષો મોટા થઈને મેદાન ઉપર લીલોતરીનું સર્જન કરશે. તેમજ આવનાર ચોમાસામાં મેદાન ઉપર લોન રોપવાનું કામ હાથ ધરવામાં આવનાર છે જેના કારણે આવનાર દિવસોમાં આ મેદાન ગ્રીન મેદાન બની જશે.
ગામમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા
રાત્રીના સમયે કાછલ ગામ સ્ટ્રીટ લાઈટનાં પ્રકાશથી ઝગમગી ઉઠે છે. ગામમાં રાત્રીના અંધારાના સમયે ગ્રામજનો સાથે કોઈ અગમ્ય બનાવ ના બને અને આખી રાત ગામમાં અજવાળું પથરાય રહે તે હેતુથી ગ્રામ પંચાયત દ્વારા ગામના તમામ ફળિયાઓમાં એલઈડી સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ માટે ગ્રામ પંચાયત દ્વારા લાઈટવેરો પણ ઉઘરાવવામાં આવે છે.
આઝાદીના ૭૦ વર્ષ બાદ ગામને પાકી સ્મશાનભૂમિની સુવિધા મળી

કાછલ ગામમાં પાકી સ્મશાનભૂમિની સુવિધા ન હતી. જેના કારણે કાછલ ગામમાં જ્યારે કોઈનું મરણ થાય ત્યારે બાજુની કરચેલીયા ગામની સ્મશાનભૂમિએ અગ્નિસંસ્કાર કરવા માટે મૃતદેહને લઇ જવામાં આવતો હતો. જેના કારણે ગ્રામજનોને ઘણી અગવડો પડતી હતી. આ માટે ગ્રામ પંચાયત દ્વારા સરકારશ્રીમાં ઘણી રજુઆતો કરવામાં આવી હતી. અંતે બે વર્ષ પહેલા ગ્રામ પંચાયતની માંગણી સરકારશ્રી દ્વારા સ્વીકારવામાં આવી અને ટ્રાઇબલ સબ પ્લાનની ગ્રાન્ટ હેઠળ કાછલ ગામે પાકી સ્મશાનભૂમિ મંજુર કરવામાં આવી. ગ્રામ પંચાયત દ્વારા પાકી સ્મશાનભૂમિનું નિર્માણ કરવામાં આવ્યું. જેનાથી ગ્રામજનોને હવે ગામમાં જ અગ્નિસંસ્કાર માટે ગામમાં જ સુવિધા મળી રહે છે. અને ગામની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે.
ગામમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા દુર કરવા માટે બીએસએનએલ મોબાઈલ ટાવરની સુવિધા
કાછલ ગામ એમ તો મહુવા અને કરચેલીયા જેવા બે નાના ટાઉનોની વચ્ચે આવેલું છે. પરંતુ ત્યાંથી અંતર વધી જતા ગ્રામજનોને મોબાઈલ નેટવર્ક ની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. જે માટે ગ્રામ પંચાયત દ્વારા ટાવરની માંગણી કરવામાં આવી હતી.

તેનાં અનુસંધાને ભારત સરકારના પ્રોજેક્ટ હેઠળ કાછલ ગામે બીએસએનએલનાં નવીન મોબાઈલ ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં આ મોબાઈલ ટાવર કાર્યરત પણ કરી દેવામાં આવશે. જેના કારણે ગ્રામજનોને સારી અને સસ્તી મોબાઈલ સેવાઓનો લાભ મળશે.
ગામના સૌથી વધુ યુવાનો એસ.ટી નિગમમાં ડ્રાઈવર-કંડકટર
કાછલ ગામ ડ્રાઈવરોનું ગામ તરીકે પણ ઓળખ ધરાવે છે. કાછલ ગામમાં ૨૦ થી વધુ યુવાનો એસ.ટી નિગમમાં ડ્રાઈવર-કંડકટર તરીકે ફરજ બજાવે છે. ગામના જ પુનિતભાઈ ચૌધરી એસ.ટી નિગમમાં ટ્રાફિક-ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવીને કાછલ ગામનું નામ રોશન કર્યું છે. ગામના યુવાનો મોટા પ્રમાણમાં ડ્રાઈવર-કંડકટર તરીકે ફરજ બજાવે છે. એના પાછળ પણ એક રોચક ઈતિહાસ રહેલો છે. ગામના યુવાનો ભણવાનું પૂર્ણ થયા બાદ નજીકમાં આવેલ મહુવા સુગર ફેકટરીમાં શેરડી વહન કરવા માટેની ટ્રકમાં ડ્રાઈવર-કંડકટર નોકરી કરવા જાય છે. જે બાદ તેઓને ડ્રાઈવર-કંડકટર તરીકેનો સારો અનુભવ થઇ ગયા બાદ તેઓ એસ.ટી નિગમમાં ડ્રાઈવર-કંડકટર તરીકે એપ્લાય કરીને પરીક્ષા પાસ કરીને સિલેક્ટ થતા આવ્યા છે. એસ.ટી નિગમ ઉપરાંત સુગર ફેકટરીમાં ટ્રક ડ્રાઈવર તરીકે પણ ગામના ૧૦ થી વધુ યુવાનો નોકરી કરે છે.
ગામમાં આર્થિક પ્રાણ પૂરનાર અને ગ્રામ્ય આજીવિકાનો મુખ્ય આધારસ્તંભ એટલે દૂધમંડળી
કાછલકાછલ ગામના ગ્રામજનો મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. કાછલ ગામમાં કાછલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી પણ કાર્યરત છે. મંડળીમાં કુલ ૨૩૪ જેટલા દૂધ ઉત્પાદક સભાસદો છે. ગામમાં દૈનિક ૧૫૦૦ લીટરની આસપાસ દૂધ કલેક્શન થાય છે.

ગામના પશુપાલન ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરનાર સંજયભાઈ ગંજીભાઈ ચૌધરી દૈનિક ૬૦ થી વધુ લીટર દૂધ ભરીને મંડળીને આગળ લઇ જવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. દૂધ મંડળીના પ્રમુખ રવીન્દ્રભાઈ નટુભાઈ ચૌધરી અને મંત્રી ધર્મેન્દ્રભાઈ ચૌધરીના નેતૃત્વમાં કાછલ દૂધ મંડળી હરણફાળ પ્રગતિ કરી રહી છે.
ગામની પ્રકૃતિ સખી મંડળની બહેનો “કેટરિંગ” નો વ્યવસાય કરી બની રહી છે આર્થિક રીતે પગભર
કાછલ ગામમાં ૨૦ થી વધુ સખી મંડળો છે. આ બધા સખી મંડળોને એકજૂથ રાખી “પ્રકૃતિ સખી મંડળ દ્વારા કેટરિંગનો વ્યવસાય શરૂ કરવામાં આવ્યો છે. કાછલ ગામમાં વોટરશેડની પ્રવૃત્તિ હેઠળ પ્રકૃતિ સખી મંડળને કેટરિંગનો સામાન આપવામાં આવ્યો હતો. તેના આધારે મહિલાઓએ આજીવિકા મેળવવા આ સાધનો ભાડે આપવાનું શરૂ કર્યું. સાથે સાથે લગ્ન તથા અન્ય શુભપ્રસંગોમાં રસોઈ પીરસવા જવા માટે એક ટીમ બનાવી જે આ મુજબના પ્રસંગોમાં રસોઈ પીરસવા માટેનો ઓર્ડર લઈને બહેનોને આજીવિકા પૂરું પાડી રહી છે. આ સાથે જ પ્રકૃતિ સખી મંડળની બહેનો દ્વારા આદિવાસી સમાજની વિવિધ પરંપરાગત વાનગીઓ બનાવવાનો સામાજીક શુભ પ્રસંગોએ ઓર્ડર લઈને પણ કમાણી કરી રહી છે. હાલમાં સામાજિક શુભ-પ્રસંગોમાં આદિવાસી સમાજની વિવિધ પરંપરાગત વાનગીઓ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેના કારણે આ સખી મંડળની બહેનોને ઘણા ઓર્ડર મળી રહ્યા છે.
ગામમાં આસ્થાના મુખ્ય ચાર થાનકો આવેલ છે
કાછલ ગામમાં ગામની સીમમાં હિમારીયા દેવનું થાનક આવેલ છે જ્યાં ગામના લોકો પોતાની ખેતીના કામે તેમજ પશુઓને સારા સાજા થવાની માનતા રાખવી કે ઘરના શુભ પ્રસંગોએ અચૂક દર્શન કરી શ્રીફળ વધેરે છે. આ પરંપરા ગામમાં ઘણા વર્ષોથી ચાલી આવેલ છે. ગામનું આસ્થાનું બીજું કેન્દ્ર છે ભવાની માતાનું મંદિર. આ મંદિર ગામ જ્યારથી અસ્તિત્વમાં આવ્યું ત્યારથી હોવાનું મનાય છે. આ મંદિરે ગામમાં જેના પણ લગ્ન હોય એ સૌથી પહેલા આ મંદિરે દર્શને આવે છે અને અહીં સૌથી પહેલા એમને લગ્નની પ્રતીકાત્મક પીઠી લગાવવામાં આવે છે. ત્યારબાદ જ ઘરે પીઠી લગાવવામાં આવે છે. લગ્ન થયા બાદ ગામમાં નવી પરણીને આવેલી વહુ સૌથી પહેલા અહીં દર્શન કરવા આવે છે. પોતાના લગ્નના હાર- કલગી અહીં ઉતારે છે. ગામમાં આસ્થાનું મુખ્ય મથક સ્વામિનારાયણ મંદિર આવેલું છે. ગામ લોકોએ લોકભાગીદારીથી આ મંદિરનું નિર્માણ કરેલ છે. આ મંદિર બનાવવા માટે ગામના અર્જુનભાઈ ચૌધરીએ પોતાની જમીન દાનમાં આપેલ છે. અહીં રોજ સવાર સાંજ આરતી થાય છે અને દર ગુરવારે અઠવાડિક સભા થાય છે. તેમજ બાળમંડળ પણ કાર્યરત છે, જેને ગામના યુવાન પ્રશાંતભાઈ સંચાલન કરે છે. જેની સભા દર રવિવારે થતી હોય છે. આ મંદિરે સમયાંતરે સાંકરીથી સંતો આવીને સભાઓ કરતા હોય છે. ગામમાં નિશાળ ફળિયામાં ગ્રામ પંચાયતની બાજુમાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે. ગામના સ્વ. શિક્ષક છોટુભાઈ રાણાભાઈના પરિવારે આ મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિર જૂનું હતું, જેને એમના પરિવારજનો તથા નિશાળ ફળિયાના રહેવાસીઓએ લોકભાગીદારીથી ખૂબ સુંદર મજાનું નવું મંદિર બનાવ્યું છે. આમ ગામના આ મુખ્ય ચાર થાનકો છે. એ સિવાય ગામમાં ભૂતમામાંનું મંદિર, વાઘણદેવી, ગોળીગઢ, કુન્યોબેળો વગેરે પણ દેવ થાનકો આવેલ છે.
ગામમાં આંગણવાડીથી લઈ ઉચ્ચશિક્ષા સુધીની ઘર આંગણે સુવિધા
કાછલ ગામ શિક્ષાની નગરી તરીકે પણ ઓળખ ધરાવે છે. કારણ કે અહીં કેજી થી લઈને પીજી સુધીની સુવિધાઓ આવેલી છે. ગામમાં નાના ભૂલકાઓ માટે બે આંગણવાડીઓ ઉપલબ્ધ છે અને ગામનું ઘરેણું ગણાતી ઘોરણ ૧ થી ૮ સુધીની પ્રાથમિક શાળા આવેલી છે.

આ પ્રાથમિક શાળામાં ખાનગી શાળાઓને પણ શરમાવે તેવું અહીંના શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે, જેના લીધે કાછલ તેમજ બારતાડ અને કાદિયા ગામના બાળકો પણ અહીં શિક્ષણ લેવા માટે આવે છે.

આ ઉપરાંત ગામમાં ઉચ્ચ શિક્ષણ માટે સરકારી આર્ટ્સ કોમર્સ સાયન્સ અને બી.એડ કોલેજ આવેલી છે. અહીં મહુવા તાલુકા તેમજ આજુબાજુના તાલુકાના વિધાર્થીઓ પણ અભ્યાસ કરવા માટે આવે છે. તેમજ સરકારી બી.એડ કોલેજમાં ૧૦૦ ની સંખ્યા સામે પચાસ ટકા સંખ્યા આદિજાતિ કન્યાઓ માટે આરક્ષિત હોય અહીં સુરત તાપી નવસારી વલસાડ ભરૂચ નર્મદા વગેરે જેવા જિલ્લાઓમાંથી આદિજાતિ કન્યાઓ બી.એડનો અભ્યાસ કરવા આવે છે.

તેઓના માટે કોલેજ કેમ્પસમાં જ હોસ્ટેલની પણ વ્યવસ્થા છે, જેને લીધે દૂરથી ભણવા આવતી કન્યાઓને રહેવા માટે સારી સુવિધાઓ મળી રહે છે. કોલેજમાં એક્સ્ટર્નલ અભ્યાસક્રમ પણ ચાલે છે. જેમાં સ્નાતક અને અનુસ્નાતક ની પરીક્ષાઓ લેવામાં આવે છે. આમ કાછલ ગામમાં શિક્ષણ માટે કેજી થી લઈને પીજી સુધીની સુવિધા ઉપલબ્ધ છે.
ગામના શિક્ષિત વિઝનરી મહિલા સમરસ સરપંચનું કાછલ ગામને પૂર્ણ વિકાસશીલ બનાવવાનું સ્વપ્ન
છેલ્લા બે ટર્મથી કાછલ ગામે એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને સમરસ ગ્રામ પંચાયત બનાવી છે. આ ટર્મમાં તો સરપંચ સહિત તમામ સભ્યો મહિલા હોવાથી સંપૂર્ણ મહિલા સમરસ ગ્રામ પંચાયત બની છે, ત્યારે ગામના મહિલા સમરસ સરપંચ કલ્પનાબેન નરેનભાઈ ચૌધરી શિક્ષિત અને યુવાન હોવાથી એક વિઝનરી નેતૃત્વ ધરાવે છે. જેનો સીધો ફાયદો કાછલ ગામના લોકોને મળી રહ્યો છે. તેઓના કાર્યકાળમાં અત્યાર સુધી ગ્રામપંચાયતે ઘણી સિધ્ધિઓ હાંસલ કરી છે. ગ્રામપંચાયત કાછલે નેશનલ પંચાયત એવોર્ડ-૨૦૨૩ માં નવ થીમ પૈકી ‘ ક્લીન એન્ડ ગ્રીન પંચાયત’ થીમમાં સ્ટેટ લેવલે પ્રથમ રહી હતી. જેના કારણે પર્યાવરણ મંત્રાલય ભારત સરકાર દ્વારા ૫મી જુન-૨૦૨૩ નાં રોજ વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રીશ્રીનાં અધ્ય્ક્ષ સ્થાને યોજાયેલ ‘વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં વિશેષ રીતે આમંત્રીત કરવામાં આવ્યા હતા.
કલ્પનાબેન જણાવે છે કે તેમણે ગ્રામજનોના સુખાકારી માટે ઘણા બધા સર્વાંગી વિકાસના કામો કરવાના છે, જેમાં ફક્ત વિકાસના ભૌતિક કામો જ નહીં પરંતુ ગ્રામ્ય આજીવિકાની ધોરણ ઊંચું આવે અને અને ખાસ કરીને મહિલાઓ આર્થિક રીતે સ્વતંત્ર પગભર બને તે માટે તેઓએ વિશેષ કામ કરવું છે. તેના અનુસંધાને તેઓ દ્વારા બહેનોને ઘરઆંગણે રોજગારી મળે તે હેતુથી પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા જેમાં બહેનોને રાખડી બનાવવાની તાલીમો અપાવી હતી તેમજ આવનાર દિવસોમાં સરકારી વિવિધ યોજનાઓનો લાભ લઈને બહેનોને રુચિ પ્રમાણે જરૂરી તાલીમો અપાવી બહેનો સ્વરોજગાર કરી શકે તે માટે અભિયાન સ્વરૂપે કામગીરી આરંભ કરવાના છે. તેમજ ગામની મહિલાઓ પાસે રોજગાર ન હોવાથી અને અન્ય કોઈ મોટી આવક ન હોવાથી આર્થિક રીતે સંકડામણ અનુભવે છે. જેના કારણે તેઓ ખાનગી ફાયનાન્સ કંપનીઓ પાસેથી વધુ વ્યાજે લોન લેવા મજબૂર બને છે અને તેમાં તેઓનું આર્થિક રીતે શોષણ થતું આવ્યું છે. આ આર્થિક શોષણની ગુલામીમાંથી બહેનોને આઝાદ કરાવવા સરપંચશ્રી કલ્પનાબેન ગામની મહિલાઓ સાથે ભેગા મળીને “મહિલા બચત અને ધિરાણ મંડળીની” સ્થાપના કરવા જઈ રહ્યા છે. જેના દ્વારા ગામના જ પૈસા ગામની બહેનોને ઓછા વ્યાજદરે ધિરાણ કરવામાં આવશે . બચત ઉપર વધુ વ્યાજ આપવામાં આવશે અને ગામની બહેનો વ્યાજખોરોના ત્રાસથી મુક્ત બનશે તેમજ આર્થિક રીતે આઝાદ બનશે. આ કામ થવાથી ગામનો આર્થિક વિકાસ વૃદ્ધિ દર પણ ઊંચો આવશે.
આ ઉપરાંત કલ્પનાબેને જણાવ્યું કે ગામના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય, ધીમે ધીમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા ઓછા થાય અને ગામની જમીનો બંજર બનતી અટકે તેમજ ગામના લોકોને પ્રાકૃતિક શાકભાજીઓ ખાવા મળે અને લોકોનું આરોગ્ય સુધરે તે માટે પણ તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ સમરસ ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાંથી ગામના વિકાસના કામોમાં ગામના બાળકો મહિલાઓ અને વડીલો માટે રમત ગમતના સાધનો સાથે એક સુંદર મજાના બગીચો બનાવવાનું કામનું આયોજન હાથ ધરવાના છે, જે આવનાર દિવસોમાં શરૂ કરવામાં આવશે એવું તેઓએ જણાવ્યું છે.
ગામની ભૌતિક સુવિધાઓમાં વધારો કરવા માટે તેઓ ગામના નવી અત્યાધુનિક લાઇબ્રેરીના મકાનનું નિર્માણ કરવું,ગામના લોકોને ગામમાં જ સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ કરવવા માટે ગામમાં એક આરોગ્ય મંદિરનું નિર્માણ કરવું, ગામના રમત ગમત ના મેદાન ઉપર લોન રોપવી, ગામમાં એક એટીએમની વ્યવસ્થા ઊભી કરવી, ગામમાં એક ઓવરહેડ પાણીની ટાંકીનું નિર્માણ કરવું, ગામના દરેક ઘરેથી ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે ઈ- ટેમ્પાની ખરીદી કરવી, સામાજીક પ્રસંગો માટે કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવું, વગેર કામોના ભાવી આયોજનો પણ તેઓએ કર્યા છે અને આ બધા કામો માટે તેઓ સરકારના વિવિધ વિભાગો પાસે ગ્રાન્ટની માંગણી કરી રહ્યા છે જેથી કરીને આ બધા આ કામો સત્વરે પૂર્ણ કરી શકાય.
કાછલ ગામ એક નજરે
ગામની કુલ વસ્તી- ૮૪૪ (૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ)
કુલ વિસ્તાર- ૨૬૫ હેક્ટર
ફળિયા- ૭
આંગણવાડી- ૨
પ્રાથમિક શાળા-૧
કોલેજ- ૨
સરકારી વિનયન વાણીજ્ય વિજ્ઞાન કોલેજ અને સરકારી બી.એડ કોલજ

મહિલા સમરસ ગ્રામ પંચાયત કાછલ ની ટીમ
કલ્પનાબેન નરેન્દ્રભાઈ ચૌધરી- સરપંચશ્રી
ભાવનાબેન મુકુંદભાઈ ચૌધરી- ઉપ-સરપંચશ્રી
તન્વીબેન વિજયભાઈ ચૌધરી-સભ્યશ્રી
ગજરાબેન પુનીતભાઈ ચૌધરી-સભ્યશ્રી
નીલાબેન તનવરભાઈ ચૌધરી- સભ્યશ્રી
જાગૃતિબેન વિકાસભાઈ ચૌધરી- સભ્યશ્રી
સુધાબેન વિપુલભાઈ નાયકા-સભ્યશ્રી
રક્ષાબેન કનુભાઈ ચૌધરી-સભ્યશ્રી
રાધાબેન સતીષભાઈ આહીર-સભ્યશ્રી


Superb congratulations
જોરદાર છણાવટ❤️